મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસથી ફફડાટ, 10 દિવસમાં 47 હજાર નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થયેલા ઉછાળાએ ફરી એકવાર ડરાવી દીધા છે. મહારાષ્ટ્રમાં પાછલા 10 દિવસમાં જ કોરોનાના 47 હજાર નવા કેસ નોંધાયા છે. કોરોનાએ ઉથલો મારતા જ ઉદ્ધવ ઠાકરે સરકાર ત્વરિત એક્શનમાં આવી.

  • TV9 Webdesk13
  • Published On - 11:12 AM, 22 Feb 2021
Maharashtra reimposes curbs as Covid cases surge
Maharashtra

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થયેલા ઉછાળાએ ફરી એકવાર ડરાવી દીધા છે. મહારાષ્ટ્રમાં પાછલા 10 દિવસમાં જ કોરોનાના 47 હજાર નવા કેસ નોંધાયા છે. કોરોનાએ ઉથલો મારતા જ ઉદ્ધવ ઠાકરે સરકાર ત્વરિત એક્શનમાં આવી. મહારાષ્ટ્ર સરકારે ભીડ એકઠી થતી હોય તેવા રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અમરાવતીમાં એક અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરાયું, તો પૂણેમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરીને શાળા-કોલેજ, ટ્યુશન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. નાગપુર, યવતમાલ અને મુંબઈ નાઈટ કર્ફ્યૂ લાગવાની તૈયારી છે. ઉદ્ધવ ઠાકરેએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરી છે. જો અઠવાડિયામાં સ્થિતિ નહીં સુધરે તો ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર લૉકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે.

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોરોના સંક્રમણમાં મોટો વધારો નોંધાયો. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 45 હજારને પાર કરી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સતર્કતા રાખવા અને RT-PCR ટેસ્ટની સંખ્યા વધારવા આદેશ કર્યો છે. કેરળના અલપ્પુઝા જિલ્લામાં કોરોના કેસ 10.7 ટકાના દરે વધી ગયા છે. આરોગ્ય વિભાગ કોરોના વાઈરસના મ્યૂટેશન પર પણ સતત નજર રાખી રહ્યું છે.